સ્ત્રી - ટેમ્પ્ટેશન, સિડકશન : એક ચતુર નાર, કર કે શ્રીંગાર...
લેખક - જય વસાવડા
ગંગાકિનારે રેતીના કણ કેટલા છે, તે જાણી શકાય પણ સ્ત્રીના મનને જાણી ન શકાય !
- વસુદેવહિંડી
‘એકાકિની પરવશા...’ થી શરૂ થતું રૂદ્રટનું એક સંસ્કૃત મુકતક છે. એક પ્રવાસી અજાણ્યા ઘરમાં રાતવાસો માંગે છે. ગૃહસ્વામિની એને જોઈને જ આકર્ષાઈ જાય છે. પણ એમ કંઈ થોડું વળગી પડાય ? એટલે ના પાડે છે. કેવો છે એ ઈન્કાર? ‘‘હે પથિક, એક તો હું જુવાન છું, પાછી બહુ મુકાબલો કરી ના શકું તેવી છું. અને મારા પતિ પરદેશ પ્રવાસે ગયા હોઈને સાવ એકલી છું. ઘર ગામથી દૂર છે. મારા સાસુ તો આંધળા અને બહેરા છે, એટલે હું ખૂણાના પેલા ઓરડામાં જ સૂતી હોઊં છું. માટે અહીં રોકાવાને બદલે બીજું ઠેકાણું શોધી લો!’’ હંઅઅઅ- આ તે નકાર કે નિમંત્રણ? બી સ્માર્ટ !
* * *
‘વ્હેન એ વુમન બિકમ્સ સ્કોલર, ધેર ઈઝ સમથિંગ રોંગ ઈન હર સેકસ ઓર્ગન્સ!’ ઘુરંધર જર્મન ચિંતક ફ્રેડરિક નિત્શેનું આ નિરીક્ષણ છે! અતિશય વિદૂષી માનુનીઓ એવી બોરિંગ એક્ટિવિટઝમાં આજીવન સમય એટલે વીતાવતી હશે કે નાચગાન, હંસીમજાક અને ફલર્ટંિગ, ડેટિંગ જેવી એકસાઈટિંગ એક્ટિવિટીઝ એમને ઉત્તેજીત નહીં કરતી હોય! બાકી ચંચલ, કોમલ, શીતલ મદનમોહિનીઓ તો જીવનખેલમા રૂપે રમતી હોઈને ‘રમણી’ કહેવાઈ હશે? આપણે ત્યાં પ્રાચીન લોકકથા છે. જેમાં વીર વિક્રમ પોતાના પરાક્રમી પુત્ર વિક્રમચરિત્રના વખાણે ચડે છે. ત્યારે મનમોહિની નામની સુંદરી ભર્યા દરબારમાં રાજા વિક્રમને કહે છે. ‘વિક્રમચરિત્ર મહાન હશે, પણ એના કરતાય ચડિયાતું સ્ત્રીચરિત્ર છે! સ્ત્રી જો ધારે તો પછી અશકયને શકય કરી બતાવે ! ’ અને પછી કેવી રીતે પોતે એક જગ્યાએ કેદ પકડાયા છતાં, રાજાના જ કુંવરના સંતાનની માતા બનીને વિક્રમના કાનની બૂટ પકડાવી દે છે, તેની રોમાંચક કથા છે ! વંદિતાસૂત્રમાં સદીઓ પહેલા લખાયું છે ઃ પાણીમાં તરતી માછલીઓના પગેરાની છાપ (!) શોધનારો મળી આવે, આકાશમાં ઉડતા પંખીના (અદ્રશ્ય) સગડ ઉકેલનારો મળે, પણ સ્ત્રીના હૃદયને પારખનાર ત્રિલોકમાં પણ કોઈ નથી! અને આપણા ઘણા મગની દાળના શીરા જેવા સુંવાળા સમાજચિંતકો વળી એવું જ માને છે કે સ્ત્રીને હૃદય જ હોતું હશે. શરીર જેવું કંઈ સ્ત્રીને હોય જ નહિ ! એને કશા આવેગો થાય જ નહિ, એને મસ્તી ચડે જ નહિ! પુરૂષ ‘ફરે ત્યાં ચરે’, પણ સ્ત્રીને ‘ચરે ત્યાં ફરવા’નો પણ હક હોય નહિ ! ’ ‘ અસ્તિત્વ ’ ફિલ્મમાં પેલો રામપુરી ચક્કુ જેવો તેજ ધાર ડાયલોગ નાયિકા કહે છે : ‘ તન કી પ્યાસ જો તુમ્હારે શરીર કો જલાતી હૈ, વો હમારે શરીર કો કમ જલાતી હૈ કયા ? ’’
કમ નહિ, જયાદા! સાયન્ટિફિકલી પ્રૂવ્ડ કે સ્ત્રીને મલ્ટીપલ ઓર્ગેઝમ્સ થઈ શકે છે. પુરૂષની માફક એણે બે સમાગમ વચ્ચે રાહ નથી જોવી પડતી. અને મનુષ્યમાદાને પશુમાદાની માફક કોઈ નિશ્ચિત ઋતુકાળ હોતો નથી. આપણા પુરાણોમાં નારીનું રૂપ ધારણ કરીને પુરૂષે રતિક્રીડામાં વઘુ આનંદ નારીને આવે, એવું કબૂલ્યાની કથાઓ છે. અને એને સચોટ રીતે સમજાવતો તર્ક પણ પ્રચલિત છે : કાનમાં આંગળી નાખીને ખંજવાળો, ત્યારે કાનના સંવેદનતંતુઓ આંગળી કરતાં વઘુ આંદોલિત આનંદિત થતા હોય છે !
પ્રાચીન ભારતીય સંસ્કૃતિ એટલે ફકત ભક્તિ, મોક્ષ અને સંયમ એ સમીકરણ જ ખોટું છે. પુરાતન ભારત એટલે વિલાસ અને વૈભવનું પણ વૈવિઘ્ય! ઈશ્વરના ચરિત્રો કંડારતા મહાકાવ્યોમાં પણ રૂંવાડે રૂંવાડે રોમાંચની ઢગલીઓ થાય, એવા પ્રસંગો અને વર્ણનો દુધપાકમાં ભાતની માફક એકરસ થયેલા છે! ઈનફિડાલિટી, યાને લગ્નેત્તર સંબંધોની માયાજાળ જ નહિં, ‘કાયા’ જાળને પણ ભારે રસિકતાથી વર્ણવનારો આપણો સમાજ હતો. મતલબ, આ આજકાલનું નહિ, પરાપૂર્વનું ચાલ્યું આવે છે. અર્જુનથી શેન વોર્ન સુધી!
પંચતંત્રમાં પંડિત વિષ્ણુશર્માએ ફકત હરણ અને કાચબાની, સિંહ અને શિયાળની બાળબોધકથાઓ જ નથી કહી. (ભૈ, રાજકુમારોને રાજનીતિ શીખવાડવાની હતી - એમાં દુનિયાના દરેક રંગો સિલેબસમાં જોઈએ ને!) એમાં અનેક કહાનીઓ ‘જારકર્મ’ યાને એડલ્ટરી, વ્યભિચારની પણ માદક વર્ણનો સાથે છે. એવા જ ચિલ્ડ્રન્સ લિટરેચર ગણાઈ ગયેલા ગ્રંથ ‘હિતોપદેશ’માં સમુદ્રદત્તની પત્ની રત્નપ્રભા વળી ઘરના નોકરને ચુંબન કરતી હતી, ત્યાં પતિની અણધારી એન્ટ્રી થઈ. ચબરાક પત્નીએ બિરબલકૃત્ય કરતા હાજરજવાબીપણુ દાખવ્યું ‘ આ ઘરમાં ચોરી થાય છે, સાકર અને કપૂરની - કોણ ખાય છે, તેની ખાતરી કરી ! ’
શિવે પાર્વતીને કહેલી કથાઓના મનાતા ગ્રંથ કથાસરિત્સાગરમાં શ્રાઘ્ધમૂર્ખની વાર્તા છે. મૂર્ખ બહારગામ જતા પત્ની પ્રેમી સાથે ભાગી ગઈ. અચાનક પતિએ પાછા આવીને પૂછયું, તો નોકરાણીએ પઢાવેલું બહાનું કહ્યું કે એ તો બાર દિવસ પહેલા મરી ગઈ! મૂર્ખે બારમાસનું શ્રાઘ્ધ કરાવી બ્રાહ્મણ જમવા બોલાવ્યા તો એની ભાગેલી પત્નીને લઈને વટભેર એનો પ્રેમી આવીને જમી ગયો, કે શ્રાઘ્ધ આરોગવા આ સ્ત્રીને સ્વર્ગમાંથી લઈ આવ્યો છું!મૂર્ખે રાજી થઈને દક્ષિણા આપી !
દુનિયામાં ગૂઢમાં ગૂઢ રહસ્ય શું? મૃત્યુ? જી ના. ભારતવર્ષ કહે છેઃ ગહનમ સ્ત્રીચરિત્રમ! આપણે ત્યાં કમસેકમ હજાર વર્ષ પહેલા ગ્રંથ રચાયોઃ શુકસપ્તસતી. જેમાં પતિવિયોગે અંદર ઉઠતી અગનનું શમન કરવા ઘરની બહાર જતી નારીને એક પોપટ આડાઉભાત્રાંસા સંબંધો અને વ્યભિચારની અઢળક રંગીન કથાઓ સંભળાવે છે! બળને છળ તથા કળથી હંફાવતી વાર્તાઓ! શામળ ભટ્ટે એવી જ વાર્તાઓ ગુજરાતીમાં ‘સૂડા બહોંતરી’ના નામે લખી. હોર્ની (કામુક) કન્યાઓના મનોવિહારમાં ડોકિયું કરાવતી વાર્તાઓ એડલ્ટ એસએમએસ જેવી ક્રિએટિવલી ચાર્મિગ છે ! (મૃણાલ સેન અને ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ તેના પરથી ફિલ્મો બનાવી છે, અને હુસેને દિલફેંક ચિત્રો !)
એક સેમ્પલઃ
શંખપુરના શંકરની પત્ની બહુભર્તુકા હતી. (જો ઠંડી હોય તો ગરમી હોવાની જ. દુકાળ હોય તો વરસાદનું અસ્તિત્વ હોવાનું જ. એમ એક પતિને સર્વસ્વ માનનારી પતિવ્રતા હોય, તો એકથી વઘુ પુરૂષોનો સંગ કરનારી બહુભર્તુકા નેચરલી હોય જ! તુલસી ઈસ સંસારમેં ભાત ભાત કે લોગ!) તો એ રતિપ્રિયા નારીનું નામ રંભિકા હતું. એને એક સાથે ચાર-ચાર ઉપ-પતિઓ યાને અફેર્સ હતા. પિતૃશ્રાઘ્ધ નિમિત્તે રંભિકાના આમંત્રણથી અલગ-અલગ સમયે આવેલા ચારેય પ્રેમીઓને ફિલ્મી સ્ટાઈલમાં રંભિકાએ છુપાવ્યા. હસીને લોટપોટ કરે એવી ઘટનાઓ બની (જેમ કે, રંભિકાએ ભોજન આપ્યું એને કોઠી નીચે છુપાયેલા પ્રેમીએ ગરમ લાગતા ફુંક મારી, અને કોઠી ઉપરના પ્રેમીએ સાપના ભયથી અંદર ઠેકડો માર્યો!) ચારે જણ પતિની નજર સામે દેકારો થતા નાઠા. બિચારા પતિએ પૂછયું ‘ આ શું ? ’
સ્વસ્થતા ગુમાવ્યા વિના રંભિકાએ શાંતિથી જવાબ આપ્યો ‘તમારા પિતૃઓ છે. તમે હૃદયના પ્રેમ વિના શ્રાઘ્ધ કર્યું એટલે ગુસ્સે થઈને ભોજન લીધા વિના ભાગી ગયા! કરો ફરીથી શ્રાઘ્ધ! ’
આ શુકસપ્તસતીનો ફારસીમાં અનુવાદ થતાં એ ૧૪મી સદીમાં ‘તૂતીનામેહ’ નામથી ઈરાન પહોંચ્યું. અરેબિયન નાઈટસની આવી જ મેઘધનુષી કથાઓની પરંપરામાં આ વાર્તાઓ પણ વખણાઈ. તૂર્કીમાં પહોંચતા એ યુરોપ પહોંચી અને ઈટાલીના જીયોવાની બોકેશિયોએ એડલ્ટ સ્ટોરીઝના છેક ૧૪મી સદીમાં કરેલા સંપાદન ‘ડિકેમેરોન’માં પણ એના પડધા પડયા! બાલ્ઝાકે ડોલ સ્ટોરીઝ રચી. સ્ત્રીની ચંચળતા અને ચપળતા બંનેને નિખારતી આ અનંગકથાઓમાં શરમસંકોચ વિના શિથીલ ચારિત્ર્યનો ઉત્સવ મનાવી, ‘કામ’પ્રેમ છોળો ઉડાડવામાં આવી છે.
વર્ણનો પણ કેવા કળાત્મક! અમરૂશતકમાં પ્રેમીને મળવા ઘેલી થઈને દોડતી યુવતીના ચણિયાની ગતિથી હવાનો સપાટો લાગતા દીવો ઓલવાયો અને... તો વિદ્યાપતિ રચિત મુક્તકમાં કુલટા કહેવાયેલી સ્ત્રી કટાક્ષમાં ઉત્તર વાળે છે ‘અમારા કુળમાં એકમાત્ર જન્મમાં અનેકને ચાહવાની રીતિ છે, સતી બનવાનું કલંક અમારા માટે અપમાનજનક છે!’ ઓહ વોટ એ બેબ! લાઈક લિઝ હર્લી!
વેલ, એકચ્યુઅલી આ બધી કથાઓ કંઈ ‘એડલ્ટરી’ની સુગાળવી કથાઓ નથી. આજે જેની બહુ બોલબાલા ગ્લોબલ લેવલ પર છે, તેવી ‘કોન’ સ્ટોરીઝ છે. (રસપ્રદ કાવતરાંને અંગ્રેજીમાં કોન્સિપિરસી કહેવાય- એટલે હોશિયારીપૂર્વકના પ્લાનિંગથી થતી છેતરપિંડીના પ્લોટને કોન કહેવાય!) સંસ્કૃતમાં તો શબ્દ પણ છે ઃ ઘૂર્તકથા! જારકર્મ (છીનાળું!)ના પાયા પર રચાયેલા અને પેઢી દર પેઢી સચવાયેલા આ કથાનકો જૂના નથી- કારણ કે, આજે ય ફરી ફરીને એ હકીકતોમાં પલટાયા કરે છે. પોતાના પ્રણય (બાફેલી દૂધીના સૂપ જેવો ફિક્કો પ્લેટોનિક નહિ, લસણ-ડુંગળીવાળી ભેળ જેવો ચટપટો પેશનેટ લવ!) માટે સ્ત્રી વઘુ હિંમત કરી શકે છે. અને જન્મજાત એનામાં એવી ચાતુરી છે કે જો સ્ત્રી ધારે તો જ પુરૂષ તેના વિશે સત્ય જાણી શકે!
સીધી લીટીના ઠાવકા બાબલાઓ આજે ય નટખટ નખરાળી નારને કંટાળો આપીને બોર કરે છે. ડાહીડમરી, સુશીલ સંસ્કારી, વિનયીવિવેકી, ગુણિયલ, ઘરરખ્ખુ ગૃહિણી... ઉઉઉઉફ! હાઉ બોઓઓરિંઈઈઈગ! થોડીક શેતાનીયત, થોડીક શરારત જીંદગીને વ્હેરી વ્હેરી ટેસ્ટી ટેસ્ટી બનાવે છે. છોકરી જરા ટિપ્સી હોય, તો ટોપ લાગે. માદક હોય, તો મતવાલી લાગે. રંગીન- રમૂજી હોય, તો રૂડીરૂપાળી લાગે. અને મસ્તીખોર મારકણી હોય તો મીઠીમઘુરી લાગે! સંસાર કંઈ ફક્ત સાઘ્વીઓનો મઠ નથી. સેક્સ વિનાની સ્ત્રી એટલે વઘાર વિનાની દાળ! તરૂણીના તોફાન એટલે જાણે રસોઈમાં પડેલું મરચું! રંગ અને સ્વાદ બંનેમાં આકર્ષણ વધારતી રેડ હોટ ચીલિઝ! મહોબ્બત કી મિર્ચ!
* * *
‘ત્રિયાચરિત્ર્ય’ ની થીમ પર ઓફબીટ છતાં સિમ્પલ, આર્ટિસ્ટિક છતાં ફની ફિલ્મ વિનય શુકલા જેવા વાંચતાવિચારતા લેખક - દિગ્દર્શકે ફિલ્મ બનાવી છે - મિર્ચ! બધી વાર્તાઓ મૂળ તો પ્રાચીન ભારતીય શૃંગારવારસાને અપાયેલી અંજલિ છે. (અને રાઈમા દેવતાઈ અપ્સરા જેવી જ લાગે છે!) ‘ઉત્સવ’માં કાકા પ્યારેલાલે ભૂલથી અઘુરૂં મુકેલું સંગીત ભત્રીજા મોન્ટીએ કમ્પોઝ કર્યું હોય તેવા અદ્ભુત જાદૂઈ ગીતો છે. કાવ્યાત્મક માવજતમાં નાની નાની ખૂબસૂરત બાબતો ગૂંથી લેવાઈ છે.
* * *
સદીઓથી સમાજે સ્ત્રીને રમકડું કે કઠપૂતળી બનાવીને રાખી છે. લગ્નોમાં ગુલામની જેમ ચોકઠાં ગોઠવી તેને ધકેલી દેવાઇ છે. બાદશાહોથી ધર્માચાર્યો સુધીના દરેકને ડર છે, કે એક વખત જો નારી આઝાદમિજાજ થઈ તો સ્વયમ મિસ્ટર ગોડના પણ અંકુશમાં રહે તેમ નથી! માટે જાતભાતના નીતિનિયમો અને બંધનોમાં સ્ત્રીને સતત એટલી ગૂંચવી નાખી કે એ પલાયનવાદી બને, કર્મકાંડી બને, ડરીને ગોંધાઈ રહે. સ્ત્રી હંમેશા ફીલિંગથી જીવે છે. એટલે જૂઠ માટે પણ એણે પ્રયત્ન નથી કરવો પડતો, એ અંદરથી જ આવતું હોઈને સહજસાઘ્ય છે. સ્ત્રી આકર્ષિત ઝડપથી થાય, અને થાય તો જગત આખાની પરવા વિના ફના થઈ જવા સામે ચાલીને ભૂસકો મારવા બહાદૂર બને! એ પુરૂષ જેવી તાર્કિક ગણત્રીબાજ ન બને. અને ખુદ સ્ત્રી પણ ન સમજી શકે એવા એની અંદરના ખેંચાણના વમળોથી ભડકીને જ જૂના યુગોના દરેક ધર્મે સ્ત્રીને પાપની વ્યાખ્યાઓ અને સજાની ભૂતાવળોથી બાંધી રાખી !
પુરૂષ વાયુતત્વ છે. ઝંઝાવાત ગમે તેટલો પ્રચંડ હોય, લાંબો ટકે નહિ! જ્યારે સ્ત્રી જળતત્વ છે. ઉપરથી શાંત, અંદરથી ઊંડી. એક એક ટીપું ધીરજથી, ખંતથી સતત પડયા કરે અને અંતે પથ્થરની આરપાર છેદ કરી જાણે! જળની માફક સ્ત્રી ગમે તે રંગ, ગમે તે આકાર ધારણ કરી સરકી શકે છે. દિવ્ય પ્રેમ કે આજીવન સ્નેહસંબંધ કે લાંબા ગાળાના દાંપત્યજીવન સિવાય પણ સ્ત્રીની અંદર પણ એક માદા છે. જેને ભોગ ભોગવવા છે. અનાવૃત મસ્તી માણવી છે. આગળ પાછળના કોઈ ‘ઈમોશનલ બેગેજ’ વિના જસ્ટ ફોર ફન જલસા કરીને ચાર દિન કી ચાંદની જેવી યુવાની સમાજના, માતૃત્વના, કર્તૃત્વના કોઈ વિવેચનો વિના ચસચસાવીને જીવી લેવી છે. સંબંધ પરપોટા જેવો પણ હોય અને પોલાદ જેવો પણ હોય. બંનેની ફ્લેવર છે. કામચલાઉ સહશયન, કાયમી સહજીવન!
પોતાનામાં જ વ્યસ્ત રહીને, ગુલામની જેમ હુકમો છોડીને, ઢોર મારી મારીને, પોતાના આદેશો મુજબના જ આદર્શો ગોખાવીને પુરૂષોએ લોહી પીઘું છે સ્ત્રીઓનું. તો કેટલાક ડોબાઓ વળી એના ચરણસ્પર્શ કરીને એના આંખના ઉલાળે તાથૈયા કરવા તત્પર થાય છે. સ્ત્રીને આ બેમાંથી કોઈ અંતિમો નથી ગમતા. એકચ્યુઅલી, પોતાને શું ગમે છે - એ અંગે ખુદ સ્ત્રી જ બેખબર છે! એ અયોઘ્યાનો મહેલ પળવારમાં છોડી દે છે, પણ એક સુવર્ણમૃગને સ્પર્શવાનો મોહ નહિ !
લગ્ન એક કલ્ચરલ આવિષ્કાર છે. પણ શરીરના બેઝિક ઈન્સ્ટિંકટસ નેચરલ ઢોળાવ છે. પ્રકૃતિ અને સંસ્કૃતિનો આ સંઘર્ષ અપવાદોને બાદ કરતા સનાતન રહ્યો છે, અને રહેવાનો. સંતાપ અને સજાની ગમે તેટલી બીક બતાવો, મજાની માયાજાળ જીતવાની. ઈટસ બેટલ બિટિ્વન સોલ એન્ડ બોડી! આત્માની એક વૃત્તિ છે, શરીરની બીજી જ પ્રવૃત્તિ છે. વરાયટી ઈઝ સ્પાઈસ ઓફ લાઈફ - જો કોઈ સલમાનખાનનો પ્રિવિલેજ હોય, તો કોઈ મનીષા કોઈરાલાનો પણ એ વિશેષાધિકાર બની શકે છે.
એટલે ધર્મ - સમાજના પુરાતન ચોખલિયા બંધનો વચ્ચે નોનવેજ કહાનીઓ, ગીતો ટૂચકા રચાતા ગયા છે. સ્ત્રી શરીરથી કોઈને હંફાવી શકે તેમ નથી, અને એના પ્રત્યેના માલિકીભાવને લીધે આખા ગામની નજરો એની ચોકીદારી કરતી રહે છે. એટલે સ્ત્રી દિમાગ અને દિલના દાવપેચ શીખી જાય છે. કુટિલ કાવત્રાં અને મદહોશ મુસ્કાનની ક્રિએટિવિટી ખીલવે છે. પ્રગટપણે વાત કરવાથી મળતા પ્રતિભાવોના અનુભવે એકાંત માટે છૂપા આમંત્રણો, સંકેતો અને બહાનાઓની ભાષા શીખે છે. કયારેક એને કોઈ વળતર જોઈએ છે, તો કયારેક આવા ચોરી લીધેલા આનંદની ક્ષણો એનો ય અહમ સંતોષી, એને જીંદગીની ઘટમાળના કોરા આંગણામાં કશીક રસિક રંગોળી કર્યાનું સુખ આપે છે. પોતે પણ કોઈને ધુમાવી, નચાવી શકે છે - એની પણ એક સકસેસ ફીલિંગ હોય છે. એટલે જ નારીની અંદર રકતકણો, શ્વેતકણો, ત્રાક્કણો સાથે ઈર્ષ્યાકણો ભળેલા હોય છે. જે પેથોલોજીની લેબોરેટરીમાં નહિં, પણ આંખમાં કાઉન્ટ થાય છે!
જે હોય તે પણ નટખટ નારી, બોલ્ડ બ્યુટી જીંદગીનો ગરમાગરમ મસાલો છે.
ફાસ્ટ ફોરવર્ડ
‘ અઢાર ભાષા આવડતી હોય તો પણ પુરૂષ એમાંની એક પણમાં સ્ત્રીને ના પાડી શકતો નથીં ! ’
- ડોરોથી પાર્કર
No comments:
Post a Comment