Sunday, April 25, 2021

   સેક્સ – સત્ય – સુવિચાર   


(મિત્રો, આજે ઇન્ટરનેટ ની દુનિયા માં વિરહતા વિરહતા કૈક જાણવા જેવું મળ્યું જે લાગે છે કે મારે તમારી સાથે સેર કરવું જ જોઈએ. તો વાંચો.. અને અભિપ્રાય આપસો.)


સેક્સઆ શબ્દ જ એવો છે કે જે વાંચીને કે સાંભળીને તરત જ સામાન્ય વ્યક્તિના મનમાં કંઈક સળવળાટ પેદા કરે છે… અમુક લોકોને એ શબ્દ પ્રત્યે એક લોલુપતા ભરેલું આકર્ષણ જાગે છે અથવા તો એ શબ્દથી શરમ અનુભવે છે અને અમુક લોકોને તો માત્ર જગત દેખાડો કરવા માટે સેક્સ શબ્દ પ્રત્યે સુગ ચડે છે અને આ બાબત પુરુષ હોય કે સ્ત્રી બંને માટે ખૂબ સાચી છે. આપણે બધાએ આપણા મનમાં સેક્સ શબ્દ પ્રત્યે એટલી બધી અસહિષ્ણુતા પેદા કરેલી છે કે જાહેરમાં એ શબ્દ બોલવાનું કે સાંભળવાનું પણ રીતસર ટાળીએ છીએ.

જે પ્રકારે આપણે ક્રિકેટ, રાજકારણ, ફિલ્મો, સમાજ, પર્યાવરણ કે અન્ય કોઈપણ વિષય બાબતે ચર્ચા કરી શકીએ છીએ તે જ રીતે આપણે સેક્સ અંગે જાહેરમાં કે અંગત રીતે કોઈ ચર્ચા કરી શકતા નથી કારણ કે આપણા મનમાં સેક્સ પ્રત્યે એક જાતની શરમ છે અને ડર પણ છે કે કદાચ આ વિષયની ચર્ચા કરવાથી લોકો આપણને ખરાબ તો નહિ ચીતરે ને?

મારી પાસે આવતા કપલ્સ સેક્સ્યુઅલ કાઉન્સેલિંગના કેસીસમાં મેં જોયું છે કે પુરુષોની સરખામણીએ મોટાભાગની મહિલાઓ “સેક્સ ખરાબ છે” એવી રુગ્ણ માન્યતાઓથી પીડાતી હોય છે અને તેના કારણે તેઓનું બેડરૂમનું લગ્નજીવન અનબેલેન્સ થતું હોય છે. ઘણીખરી મહિલાઓના મુખેથી સાંભળવા મળે છે કે “મને તો સેક્સની કોઈ જરૂરત હોય એવું હું મહેસુસ જ નથી કરતી… પરંતુ મારા હસબંડ મને ફોર્સ કરે છે એટલે હું એમણે પરાણે સહયોગ આપું છું”… અને આ પ્રકારના નકારાત્મક વિધાનો મોટેભાગે વાહિયાત હોય તેવું બની શકે છે. કારણ કે શક્ય છે કે અજાગ્રતપણે સ્ત્રીઓ એવું માનતી હોય કે હું મારી સેક્સની જરૂરિયાત અંગે જાહેરમાં, યા તો મિત્રો પાસે અથવા તો પાર્ટનર પાસે પણ કબુલાત કરીશ તો લોકો યા મારો પાર્ટનર જ મારા ચારિત્ર્ય પર શંકા કરશે. આજે પણ પોતાનું ચારિત્ર્ય સારું છે અને પોતાના મનમાં કોઈપણ પ્રકારની ખોટ નથી એ સામાજિક રીતે સાબિત કરવા માટે પુરુષોએ મહિલાઓના નામ પાછળ “બેન”નું વિશેષણ લગાડવું પડે છે અને મહિલાઓ પણ ફરજીયાત “ભાઈ”નું વિશેષણ લગાડે છે… આ બાબત ખરેખર હાસ્યાસ્પદ તો છે જ પરંતુ તેને ગંભીરતાથી લેવાની જરૂર છે કે આપણા દિમાગમાં આ પ્રકારની રુગ્ણ માન્યતાઓ શા કારણે આવી છે.

લગ્ન પહેલા એ વિષય બાબતે ખાસ કરીને મહિલાઓના મનમાં ખુબજ નકારાત્મક ચિત્રણ કરવામાં આવ્યું હોય છે અને સેક્સ અંગેની કોઈ જ પ્રકારની સાચી સમજ આપવામાં આવી હોતી નથી અને એટલે જ આ વિષય બાબતે એક અજાગ્રત ડર અને આકર્ષણ બંને હોય છે. છાપાની પૂર્તિમાં આવતા સેક્સ અંગેના લેખ વાંચવા હોય તો પણ કોઈ જોઈ ના જાય તે રીતે વંચાતા હોય છે.

આપણા બધાના મનમાં આવો ડર હોવો ખૂબ સ્વાભાવિક છે કારણ કે આપણા બાળપણથી લઈને આપણા લગ્ન થાય ત્યાં સુધીના આપણા સંપૂર્ણ ઉછેર દરમ્યાન જ આપણને “સેક્સ” શબ્દથી હંમેશા દુર જ રાખવામાં આવ્યા છે. પુખ્ત વયના થયા હોવા છતાં પણ સેક્સ બાબતની ચર્ચા તો દુરની વાત છે તેનો વિચાર કરવા પર પણ નિષેધ હોય છે. અરે, લગ્ન થવાના હોય એ પહેલા પણ સેક્સ અંગેની કોઈ સાચી સમજ માતા-પિતા કે વડીલો દ્વારા દીકરા-દીકરીને આપવામાં આવતી નથી. આપણા આ કહેવાતા સભ્ય સમાજમાં લગ્ન પહેલા સેક્સ અંગેની જે કંઈ જાણકારી મળે છે તે જાણકારી કદાચ માત્ર અભ્યાસ દરમ્યાન ટેક્સ્ટ બુક દ્વારા કે ઈન્ટરનેટ દ્વારા કે મિત્રો યા પરિણીત બહેનપણી દ્વારા જ પ્રાપ્ત થતી હોય છે તે માહિતી ખરેખર તો ખૂબજ ઉપરછલ્લી હોય છે.

દરેક લોકો સેક્સ બાબતે સાંભળવા કે જોવા માગે છે પણ જાહેરમાં તેની ચર્ચા કરવા આગળ આવતા નથી એ હકીકત છે. મારા અનુભવ પ્રમાણે તો એકાદ લાખ ઘરોમાંથી માંડ એકાદ ઘર એવું હશે કે જે ઘરમાં સેક્સ અંગે ખરેખર ખૂબ જ મુક્ત રીતે અને સાચા દ્રષ્ટિકોણથી ચર્ચા થતી હશે. આપણા આ સમાજની વિચિત્રતા છે કે સામાજિક રીતે સેક્સને માત્ર એક વાસનાના વિષય તરીકે જ સ્વીકારવામાં આવે છે અને આથી જ તેના પર નિષેધ છે. કહેવાતા ધાર્મિક લોકોએ સેક્સને અપવિત્રનું લેબલ મારીને તેની સાચી સમજથી લોકોને દુર રાખ્યા છે અને લોકોના મનમાં સેક્સ પ્રત્યે એક જાહેર ઘૃણા પેદા કરી છે. તેમ છતાં પણ સેક્સ અંગેની વરવી વિકૃતિઓ તો બહાર આવે જ છે. ઘણા મૂર્ખાઓ એવું માનતા હોય છે કે બ્રહ્મચર્ય પાળવું ખૂબ સારું છે… પરંતુ મારા માણવા પ્રમાણે તો બ્રહ્મચર્ય એ જ સૌથી મોટું ભ્રમ-ચર્ય છે. ઓશોના કહેવા પ્રમાણે તો સાચા અર્થમાં બ્રહ્મચર્યને સેક્સ સાથે કોઈ લેવાદેવા જ નથી.

જ્યાં સુધી આપણા સમાજમાં સેક્સ અંગેની માન્યતાઓ બદલાશે નહિ ત્યાં સુધી સેક્સનો સામાજિક નિષેધ ચાલુ જ રહેશે. જ્યાં સુધી સેક્સ અંગે ખુલ્લા મનથી ચર્ચાઓ નહિ થાય ત્યાં અને એક એક વ્યક્તિના મનમાંથી સેક્સની વર્જ્યના નહિ હટે, સેક્સનો નિષેધ નહિ હટે ત્યાં સુધી આ દુનિયા સેક્સના ઓબ્સેશનમાંથી ક્યારેય છૂટશે જ નહિ અને સેક્સ એક રોગની જેમ લોકોને પકડી રાખશે. એ કપડા પહેરશે તો પણ નજર તો સેક્સ પર જ હશે. પુસ્તક વાંચશે તો પણ નજર સેક્સ પર જ હશે. ભોજન કરતો હશે તો પણ નજર સેક્સ પર જ હશે. સંગીત સાંભળશે તો પણ નજર સેક્સ પર જ હશે. નૃત્ય પણ કરશે તો યે નજર સેક્સ પર જ રહેશે. સેક્સનો આ વળગાડ છોડાવવા માટે સેક્સ માટે મનને મુક્ત કરવું ખૂબ જરૂરી છે.

સેક્સ અંગે સામાજિક દ્રષ્ટીકોણના બદલે થોડા અલગ અને વાસ્તવિક કે આધ્યાત્મિક અંદાઝથી વાત કરીએ તો સેક્સ એ તમારા અસ્તિત્વના ઊંડાણની પરિપૂર્ણતા બની શકે છે, અને સેક્સ તમને તમારી સંપૂર્ણતા તરફ લઇ જઈ શકે છે, સેક્સ તમને તમારા મૂળભૂત પ્રાકૃતિક અસ્તિત્વનો અહેસાસ કરાવી શકે છે અને તેના અનેક કારણો મોજુદ છે. આપણે આ તમામ કારણોને સમજવા ખાસ જરૂરી છે. પહેલું કારણ તો એ છે કે સેક્સ એ ખરા અર્થમાં એક સંપૂર્ણ ક્રિયા છે, સાહજીક ક્રિયા છે. સેક્સની ક્રિયા એ માત્ર શરીર અને મન પુરતી જ સીમિત નથી પરંતુ શરીર અને મનથી આગળ વધીને તમે તમારા અસ્તિત્વની સંપૂર્ણતા તરફ આગળ વધી શકો છો. સેક્સ દરમ્યાન તમારું મન વિચ્છિન્ન થઇને સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઇ જાય છે. સેક્સ દરમ્યાન તમે તમારા મનથી સંપૂર્ણપણે અળગા થઇ જાવ છો. અને એટલા જ માટે આપણા મનમાં સેક્સ માટેનો ભયંકર ભય છે. કારણ કે તમે સેક્સ સાથે તમારી બુદ્ધિને જોડી રહ્યા છો પરંતુ વાસ્તવિકતા એ છે કે તો સેક્સને અને બુદ્ધિને બાર ગાઉનું છેટું છે. સેક્સ દરમ્યાન બુદ્ધિ ક્યાય વચ્ચે આવતી જ નથી.

સેક્સની ક્રિયા દરમ્યાન બુદ્ધિની કોઈ પ્રકારની જરૂરિયાત હોતી જ નથી. સેક્સ દરમ્યાન કોઈ તર્ક-વિતર્ક હોતા નથી. સેક્સ દરમ્યાન કોઈપણ પ્રકારની માનસિક પ્રક્રિયા હોતી જ નથી. અને જો સેક્સ દરમ્યાન કદાચ કોઈ માનસિક પ્રક્રિયા થતી હોય તો એ સેક્સની ક્રિયા એ ખરેખર વાસ્તવિક પ્રમાણભૂત સેક્સની ક્રિયા નથી હોતી પરંતુ એ સમયે માત્ર એક પ્રકારની શારીરિક ક્રિયા કે જ બનીને રહી જાય છે. એટલા માટે જ સેક્સ એક સ્થાનિક પ્રક્રિયા બનીને રહી જાય છે, કંઇક બૌધિક ક્રિયા જ બની જાય છે. અને મોટાભાગના લોકો માટે સેક્સ એ એક બૌદ્ધિક પ્રક્રિયા જ હોય છે. અને એ જ આપણી સૌથી મોટી સમસ્યા છે.

આપણા સમાજથી આગળ વધીને સમગ્ર વિશ્વ તરફ જોઈએ તો સેક્સ પ્રત્યેનો એક તલસાટ જોવા મળે છે, સેક્સ મેળવવા માટેનો એક પ્રકારનો વછવછાટ જોવા મળે છે, તીવ્ર કામવાસના જોવા મળે છે અને તેનું કારણ એ નથી કે આ દુનિયા વધારે પડતી સેક્સ્યુઅલ (કામુક) થઇ ગઈ છે. પરંતુ તેનું કારણ એ છે કે આપણે સેક્સનો આનંદ એક સંપૂર્ણ ક્રિયા તરીકે નથી લેતા બલ્કે એક શારીરિક કે માનસિક ક્રિયા તરીકે જ લઈએ છીએ. આપણા આ ભારતીય સમાજમાં અને આ દુનિયામાં અત્યારના સમયમાં છે તેના કરતા અગાઉના સમયમાં વધારે કામુકતા હતી પરંતુ સેક્સ માટેનો આટલો તલસાટ ક્યારેય નહોતો કારણ કે ત્યારના સમયની સેક્સ માટેની માન્યતાઓ જ સંપૂર્ણપણે અલગ હતી. અત્યારે જે સેક્સ માટેનો તલસાટ જોવા મળે છે; જે વિકૃતિઓ જોવા મળે છે આ બધું એજ સાબિત કરે છે કે આજના સમયમાં સેક્સ બાબતમાં ખરેખર જે કંઇક સાચું હોવું જોઈએ એજ ખૂટે છે; અને જે ખરેખર ખોટું છે એ જ ચાલી રહ્યું છે. આપણું આ મોડર્ન દિમાગ વધારે પડતું કામુક છે કારણ કે જે પ્રમાણે સેક્સ હોવું જોઈએ એ જ ખરેખર નથી. સેક્સની ક્રિયા માત્ર શારીરિક રીતે આપણા દિમાગ પર કબજો જમાવીને બેઠી છે. વિચાર તો કરો કે સેક્સ એક માનસિક પ્રક્રિયા માત્ર બની ગઈ છે. સેક્સ અંગેની જે મૂળભૂત સમજ આપણી પાસે હોવી જોઈએ એ જ ખરેખર તો છે જ નહિ.

ઘણા લોકો કહેતા હોય છે કે તેઓને માત્ર સેક્સના જ વિચારો આવે છે; તેઓને સેક્સના વિચારો કરવાનો આનંદ આવે છે, સેક્સી ફોટોગ્રાફ્સ જોવાનો આનંદ આવે છે, પોર્નોગ્રાફીક ફિલ્મોનો આનંદ આવે છે. લોકો આ બધું તો એન્જોય કરી શકે છે પણ જયારે ખરેખર સાચા અર્થમાં સેક્સ માણવાની ક્ષણ આવે છે ત્યારે તેઓ હતાશ થઇ જાય છે; તેઓને ખરેખર એ સમયે સેક્સમાં રસ રહેતો નથી. તેઓને અચાનક જ એવું લાગવા માંડે છે કે તેમને સેક્સ પ્રત્યે કોઈ ઇન્ટરેસ્ટ છે જ નહિ. તેઓ એવું પણ માનવા માંડે છે કે પોતે નપુંસક થઇ ગયા છે. સેક્સના વિચારો કરતી વખતે પોતે ખૂબ ઊર્જાનો અનુભવ કરતા હોય છે પરતું જયારે ખરેખર સેક્સની ક્રિયાનો આનંદ લેવાનો હોય છે ત્યારે તેઓ ખરેખર ઊર્જાહીન મહેસુસ કરે છે અને તેઓને સેક્સ કરવાની ઈચ્છા જ નથી રહેતી. એવો અનુભવ થાય છે કે જાણે શરીર સેક્સ માટે મૃતપ્રાય થઇ ગયું છે.

આ બધા અનુભવો કરનારા લોકો સાથે ખરેખર શું બની રહ્યું છે? એ લોકો માટે સેક્સ એક માનસિક ક્રિયા માત્ર બની ગઈ છે. એ લોકો માત્ર સેક્સના વિચારો કરી શકે છે; પરંતુ ખરેખર વાસ્તવિક રીતે સેક્સ માણી શકતા નથી કારણ કે ખરેખર તો વાસ્તવિક રૂપે સેક્સને માણવા માટે તેઓએ આ ક્રિયામાં પોતાના સમગ્ર અસ્તિત્વને સંપૂર્ણપણે સમાવિષ્ટ કરવું પડે છે. અને જયારે પણ જે કોઈ કાર્યમાં આપણી સમગ્ર જાતને સમાવિષ્ટ કરવી પડે છે ત્યારે દિમાગ અસંતુલિત થાય છે કારણ કે આપણું દિમાગ આપણી જાતનું સત્તાધીશ છે આપણી જાત હંમેશા આપણા પોતાના દિમાગના નિયંત્રણમાં હોય છે… અને જયારે આપણા દિમાગ પાસે આપણી જાતનું નિયંત્રણ નથી રહેતું ત્યારે દિમાગ અસંતુલિત થાય છે. આપણું દિમાગ, આપણી બુદ્ધિ જયારે પોતાનો સત્તાધિકાર ગુમાવે છે ત્યારે એ વિક્ષિપ્ત થાય છે અને નિયંત્રણ બહાર જાય છે અને આપણા મનમાં એક પ્રકારનો તલસાટ પેદા કરે છે, તલપ પેદા કરે છે અને એ વધારે અને વધારે મેળવવાનો પ્રયાસ કરે છે.

આ લેખ લખવાનો મૂળ ઉદ્દેશ્ય માત્ર ફિલોસોફી કરવાનો નથી પરંતુ સેક્સ અંગેની આપણે જે મનોદૈહિક સમસ્યાઓ છે તે સમસ્યાઓથી મુક્ત થવા માટે સંવેદના શુદ્ધિ ક્રિયા કઈ રીતે ઉપયોગી થઇ શકે તેની ચર્ચા કરવાનો પણ છે.

લગભગ ૧૬૦૦૦ લોકો સાથે “Money, Sex & Happiness” જેવા વિષય પર અભ્યાસ કર્યા બાદ અમેરિકાની ડાર્ટમાઉથ યુનિવર્સીટીએ તારણ કાઢ્યું છે કે વધારે સેક્સ કરવાથી વધારે પ્રસન્ન રહી શકાય છે. મોટાભાગના લોકો પોતાના જીવનમાં પ્રસન્નતા, સુખ, સેક્સ અને સંબંધો ઈચ્છતા હોય છે અને ખાસ કરીને સારામાં સારા સેક્સ્યુઅલ એક્સપીરીયન્સ માટે જે કંઈ પણ કરી શકાય તે કરવા તૈયાર હોય છે. સેક્સ લાઈફની જે કઈ સમસ્યાઓ ઉપસ્થિત થતી હોય છે તેમાંની મોટાભાગની સમસ્યાઓ માટે ભાવનાત્મક પરિબળો જ જવાબદાર હોય છે, ખાસ કરીને નકારાત્મક ભાવનાઓ. અહી મારો એ પ્રયાસ છે કે આપણી સેક્સ અંગેની એક સમજ અને સુક્ષ્મદ્રષ્ટિ કેળવાય તેમજ સેક્સ સંબંધોની શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકાય જેથી કરીને દરેક કપલની બેડરૂમની વિસંવાદિતા દુર કરી શકાય.

આપણા જીવનમાં જે ભાવનાત્મક ઘર્ષણ થતું હોય છે એ ઘર્ષણ કદાચ બાળપણના અનુભવો કે ભૂતકાળના અનુભવો અથવા તો હાલના સંબંધોથી પણ પેદા થયું હોય છે. આ બધા ભાવનાત્મક સંઘર્ષના કારણે આપણી શારીરિક ક્ષમતા પર અસર થતી હોય છે અને આપણા શરીર પર પણ તેની ઘણી અસર થતી હોય છે જેમ કે વધારે પડતો માસિક સ્ત્રાવ, વંધ્યત્વ, કામેચ્છાનો અભાવ, શીઘ્રપતન, યૌન ક્ષીણતા (Vaginal atrophy), સેક્સ અંગેની ઉદાસીનતા અને નીરસતા, વ્યસનો, શારીરિક દુખાવાઓ, ફોબિયા, ગર્ભાશયની ગાંઠ, સિસ્ટ, મેદસ્વીતા, હૃદયની બીમારીઓ, માઇગ્રેન, વગેરે… આ બધી શારિરીક પરિસ્થિતિઓને ઝડપથી અને અસરકારક રીતે સુધારવા માટે સંવેદના શુદ્ધિ ક્રિયા કદાચ સૌથી સરળ અને સાચો રસ્તો બની શકે છે.

બે પાર્ટનર વચ્ચેના સેક્સ સંબંધો સુધારવા માટે અથવા તો એ સંબંધો વધુ સારા બને તે માટે બંને પાર્ટનર  એકબીજા સાથે સક્ષમ રીતે અને સંપૂર્ણપણે કનેક્ટ થાય એ ખૂબજ મહત્વપૂર્ણ બાબત હોય છે. સામાન્ય રીતે એવું કહેવાય છે કે પુરુષો અને સ્ત્રીઓની સેક્સ એન્જોય કરવા બાબતની માનસિકતા એકબીજા કરતા તદ્દન ભિન્ન હોય છે અને બંને દેખીતી રીતે જ સાવ અલગ અને કદાચ વિરોધાભાસી માનસિકતાથી જ સેક્સની ક્રિયામાં ઇન્વોલ્વ થતા હોય છે. ઘણીખરી સ્ત્રીઓ એવું કહેતી હોય છે કે સેક્સને સંપૂર્ણપણે એન્જોય કરવા માટે પાર્ટનર સાથે ઇમોશનલી કનેક્ટેડ હોવું જરૂરી બને છે જયારે પુરુષો એવું કહેતા હોય છે કે રેગ્યુલર સેક્સ કરવાથી પોતે પોતાના પાર્ટનર સાથે ઇમોશનલી કનેક્ટેડ રહી શકે છે. આ જ કારણથી ઘણાખરા યુગલો સેક્સલેસ લાઇફ જીવતા હોય છે. ગુજરાતના ખ્યાતનામ મનોચિકિત્સક ડૉ. હંસલ ભચેચના કહેવા પ્રમાણે પુરુષો સેક્સ મેળવવા માટે પ્રેમ કરે છે અને સ્ત્રીઓ પ્રેમ મેળવવા માટે સેક્સ કરે છે. એટલા માટે જ જયારે સ્ત્રીઓને પ્રેમ અને હુંફ નથી મહેસુસ થતી ત્યારે તેઓ સેક્સ્યુઅલી ઇન્વોલ્વ નથી જ થઇ શકતી. અને પુરુષો પોતાના પ્રેમ અને પોતાની સેક્સ ડ્રાઈવને એકબીજાથી સંપૂર્ણપણે અલગ રાખી શકે છે, જયારે સ્ત્રીઓ આવું નથી કરી શકતી. ચાણક્યના મત પ્રમાણે પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની ભુખ (ખોરાક માટેની) બમણી હોય છે, જયારે શરમ ચાર ગણી હોય છે, સાહસવૃત્તિ છ ગણી હોય છે અને કામેચ્છા આંઠ ગણી હોય છે. આ લેખમાં અગાઉ જે ડાર્ટમાઉથ યુનિવર્સીટી દ્વારા થયેલા સર્વેની વાત કરી તેમાં એ પણ બહાર આવ્યું છે કે લગભગ ૨૫% જેટલા પુખ્ત લોકો છેલ્લા એક વર્ષ કરતા પણ વધારે સમયથી સેક્સથી વંચિત હતા. આ સર્વે તો અમેરિકાનો છે, આપણે ભારતની વાત કરીએ તો આ ટકાવારી કદાચ વધી પણ શકે છે.

ઘણીખરી મહિલાઓ પોતાની સેક્સ્યુઅલ ડિઝાયર વ્યક્ત કરી શકતી નથી કારણ કે તેઓ સેક્સ બાબતના એક પ્રકારના અજાગ્રત ભયથી પીડાતી હોય છે… પુઅર સેલ્ફ-ઈમેજ ધરાવતી હોય છે; ખાસ કરીને અન્ય કોઈ સુંદર અને સુડોળ સ્ત્રીઓની સરખામણીએ પોતે સારી નથી લાગતી એવો એક ભાવ ધરાવતી હોય છે, અન્ય કોઈ પુરુષોએ કે સ્ત્રીઓએ પોતાના વિશે કરેલી નકારાત્મક કોમેન્ટના કારણે પણ પોતે સુંદર નથી એવો ભાવ મનમાં પેદા કરે છે. આ ઉપરાંત શરમ, અસલામતીની ભાવના, પાર્ટનરના મનમાં પોતે સેક્સ બાબતમાં સ્વૈરવિહારી છે એવી છાપ પડશે તેવો ડર, સ્ટ્રેસ, સમયનું પ્રેશર, પ્રેગ્નન્સીનો ડર, પાર્ટનર સાથે થયેલા ભાવનાત્મક મતભેદ, લાગણીનો અભાવ, વગેરે… જેવા અસંખ્ય કારણો મોજુદ હોય છે. આ બધા કારણોને લીધે ઘણીખરી મહિલાઓ જાણીજોઈને અથવા તો અજાણતા જ સેક્સ બાબતે એક્ટીવ નથી રહી શકતી અને સેક્સને નાપસંદ કરતી થઇ જાય છે. સ્ત્રીઓ જો ખરેખર આ બધા કારણો પર વિચાર કરે અને તે કારણોને દુર કરવાનો પ્રયત્ન કરે તો પોતાની સેક્સ લાઈફને ખરેખર એન્જોય કરી શકે છે અને ઉપરોક્ત તમામ તથા તે સિવાયના પણ કારણો માટે SSK એ ખૂબજ આવશ્યક રીતે ઉપયોગી થઇ શકે છે.

લગભગ બે વર્ષ પહેલા અમદાવાદમાં એક કપલ પોતાની સેક્સ સમસ્યા માટે કાઉન્સેલિંગ માટે આવ્યા હતા. એમના એક મિત્રએ બહુ ફોર્સ કરીને મારી પાસે મોકલ્યા હતા. એ સમયે બંનેની ઉંમર આશરે ૩૫ આસપાસ હશે અને એમને બે બાળકો પણ હતા. એ કપલમાં હસબંડ એમની સૌથી મોટી ફરિયાદ એ હતી કે છેલ્લા ચારેક વરસથી એમની પત્નીને સેક્સમાં બિલકુલ રસ નહોતો રહ્યો અને તેના કારણે બંને વચ્ચે ખૂબજ મતભેદ રહેતા હતા. એ બહેન સાથે થોડી અંગત ચર્ચા કરવાથી જાણવા મળ્યું કે એમના હસબંડનો હજુ પણ એક બાળક માટેનો ફોર્સ હતો કારણકે એમની ધાર્મિક માન્યતા અનુસાર ચાર-પાંચ બાળક તો હોવા જ જોઈએ એવું એ ભાઈ માનતા હતા. અને એ લોકોની આર્થિક પરિસ્થિતિ એટલી સદ્ધર નહોતી કે હવે આવનાર બાળક માટેનો ખર્ચ એ લોકો ઉપાડી શકે. અને આ સિવાય એમના હસબંડને એટલો સમય પણ નહોતો મળતો કે આવનાર બાળકના ઉછેર માટે એ થોડો સમય ફાળવી શકે. એમના હસબંડ સેક્સ બાબતે ઓબ્સેસીવ હતા એટલે એમને સેક્સમાં બિલકુલ રસ નહોતો રહ્યો. હસબંડ સાથેના ભૂતકાળના સેક્સ સંબંધોમાં પણ એ બહેન હંમેશા અધુરપ અનુભવતા હતા. એમની નીરસતા માટેના અનેક કારણો હતા. એ બધા જ કારણો ઘણાખરા અંશે ભાવનાત્મક જ હતા અને એમની સાથે ત્રણ-ચાર મુલાકાત બાદ દરમ્યાન અમે એ કારણો પર SSK પ્રોસેસ કરીને એમની ભાવનાત્મક તીવ્રતા પર કાર્ય કર્યું અને ને બંને વચ્ચેની ભાવનાત્મક અડચણો દુર કરી. એ બહેનની જે નીરસતા હતી તે ડીઝાયરમાં પરિણમી અને આજે એ બંને પોતાની સેક્સ લાઇફથી ખરેખર પ્રસન્ન છે.

પુરુષોની વાત કરીએ એમના માટે તો સેક્સ એ પોતાના પાર્ટનર સાથે કનેક્ટ થવાનો એક ઉપાય છે. પરંતુ જયારે બે પાર્ટનર વચ્ચે કોઈ ભાવનાત્મક સંઘર્ષ હોય ત્યારે પુરુષોમાં જાતીય કમજોરી (Erectile Dysfunction) આવી શકે છે. એટલા માટે જ પુરુષો વિયાગ્રા તેમજ તેના જેવી અન્ય દવાઓનું સેવન કરે છે. કહેવાય છે કે વિશ્વમાં ૨૦ કરોડ જેટલા પુરુષો આ પ્રકારની દવાઓનો ઉપયોગ કરે છે. ભાવનાત્મક સંઘર્ષ તેમજ સ્ટ્રેસના કારણે પુરુષોમાં શીઘ્રપતન (Premature Ejaculation), પ્રોસ્ટેટની સમસ્યા, વ્યસનો તેમજ સેક્સ્યુઅલ પરફોર્મન્સ એન્ગ્ઝાયટી જેવી સમસ્યાઓ પણ પેદા થઇ શકે છે. અમુક પુરુષો પોતાના સેક્સ્યુઅલ કનેક્શન માટે પોર્નોગ્રાફીના રવાડે ચડી જાય છે તેમજ લગ્ન બહારના મલ્ટીપલ સેક્સ્યુઅલ રિલેશન્સ પણ રાખતા હોય છે. એક સર્વે પ્રમાણે ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા ૧૦% જેટલા લોકોને ઈન્ટરનેટ પોર્નોગ્રાફીનું વળગણ હતું જેમાં ૭૨% જેટલા પુરુષો હતા.

આ પહેલા આપણે જે કપલ વિશે ચર્ચા કરી તેના કરતા ઉલટો કિસ્સો પણ તમને જણાવવો જરૂરી લાગે છે. હવે જે  કપલની વાત કરું છું તેઓ સાથે મારી મુલાકાત રાજકોટ સેન્ટર પર થઇ હતી. બંનેની ઉંમર આશરે ૩૦-૩૧ હશે. બંનેને એક સરસ મજાની રમતિયાળ દીકરી પણ છે. ભાઈ પોતે મલ્ટીનેશનલ ઈન્સ્યુરન્સ કંપનીમાં ખૂબ ઉચ્ચ હોદ્દા પર હતા અને એમના વાઈફ પણ જોબ કરતા હતા. ઇન્સ્યુરન્સ કંપનીમાં કામ કરવાથી એમને ખૂબજ સ્ટ્રેસ રહેતો હતો અને ત્રણેક વરસથી પોતે ઇરેક્ટાઇલ ડીસફંકશનની સમસ્યાથી પીડાતા હતા. એમના વાઈફ ખૂબજ ઓપન-માઈન્ડેડ હતા એટલે એમણે પોતાની સેક્સ ડ્રાઈવ વિશે ખુલ્લા મનથી મને બધી વાત કરી જયારે એ ભાઈ પોતે થોડા શરમાળ પ્રકૃતિના હતા એટલે એમણે ખુલતા થોડો સમય લાગ્યો. એમના વાઈફ હંમેશા સેક્સ બાબતે ડિમાન્ડીંગ રહેતા અને પોતે હંમેશા સેક્સ ટાળતા રહેતા હતા. એમની સાથે ખુલીને વાત થઈ તો એમણે કબુલ કર્યું કે વાઈફની ડીમાંડ એટલી બધી રહેતી કે ક્યારેક તો એમને પોતાની પત્નીના ચારિત્ર્ય બાબતે પણ શંકા જતી હતી. બંને જયારે સેક્સ બાબતે આગળ વધે અને એમનાથી પરફોર્મ ના થાય ત્યારે એમની વાઈફ એમણે નપુંસક કહીને ઉતારી પણ પાડતા હતા. આ બાબત એમને ખૂબજ ખટકતી હતી. બંને સાથેના માત્ર બે સીટિંગ દરમ્યાન એમના લગભગ તમામ પ્રશ્નોનું નિરાકરણ આવી ગયું… ખાસ તો એમના પત્ની હવે ખૂબજ ખુશ રહી શકે છે.

ફિલ્મો, ટીવી અને ઈન્ટરનેટ અને રોમેન્ટીક નોવેલોમાં જે પ્રકારની ફેન્ટસી અને શૃંગારિક ચિત્રણ બતાવવામાં આવે છે તેની વાત છોડીને આપણી પોતાની જીંદગી વિશે વિચારીએ તો આપણા જીવનમાં પણ પ્રેમથી ભરપુર અને સુમેળભર્યા સેક્સ્યુઅલ સંબંધોની શરૂઆત થઇ જ શકે છે, માત્ર આપણી તૈયારી હોવી જોઈએ. ખાસ કરીને આપણા પાર્ટનરની ભાવનાત્મક જરૂરિયાત શું છે અને એ જરૂરિયાત કઈ રીતે સંતોષી શકાય એ જાણવું બંને પાર્ટનર્સ પાર્ટનર માટે ખાસ જરૂરી છે. એક હેલ્ધી અને ડીપ સેક્સ્યુઅલ કનેક્શન માટે આપણા અજાગ્રત મનમાં રહેલા ભય, પૂર્વગ્રહો, અને નકારાત્મક ભાવનાઓના બોજથી મુક્ત થવું સ્ત્રી અને પુરુષ બંને માટે ખૂબજ જરૂરી છે. તેનાથી આપણા જીવનની પ્રસન્નતામાં તો વધારો થાય જ છે સાથે સાથે એકબીજામાં રહેલાં શ્રેષ્ઠતમ તત્વો સાથે પણ કનેક્શન થાય છે.

આ વિષયમાં હજુ પણ ઘણું લખી શકાય તેમ છે પરંતુ હાલ પૂરતું આટલું બસ છે…



No comments:

Post a Comment